વડોદરા જિલ્લાની વાઘોડિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા આંચકી લેવા માટે ભાજપે રચેલો કારસો ખુદ ભાજપના સભ્યોએ નિષ્ફળ બનાવતા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સત્તા ટકી છે. વાઘોડિયા તાલુકા પંચાયતમાં કુલ સભ્યોમાંથી ભાજપ પાસે 10 અને કોંગ્રેસ પાસે 10 સભ્યો છે જે અઢી વર્ષ પહેલાં યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના અનુપા બારીયા ચૂંટાતા કોંગ્રેસ પાસેથી સત્તા આવી હતી.
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં અસંતોષ વ્યાપી રહ્યો હોવાથી કોંગ્રેસના પાંચ સભ્યોએ ભાજપના દસ સભ્યો નો ટેકો લઇ પ્રમૂખ પાસે અવિશ્વાસની દરખાસ્ત મુકી હતી . જે દરખાસ્ત રદ કરવા કોંગ્રેસ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
આજે પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત માટે ખાસ મીટીંગ મળતા તેમાં દરખાસ્ત રજુ કરનાર ભાજપના 10 સભ્યોએ પ્રમુખ ને ટેકો આપતા કોંગ્રેસના પણ હાજર રહેલા ચાર સભ્યોએ પણ પ્રમુખ ને ટેકો આપ્યો હતો .જેથી હાજર રહેલા તમામ 14 સભ્યોના ટેકાથી પ્રમુખ સામે રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત નામંજૂર થઈ હતી અને સત્તા કોંગ્રેસ પાસે જળવાઈ રહી છે.