અત્યાર સુધીના સૌથી મોટા બેંક કૌભાંડને લઈને, ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું કે…

Published on: 3:20 pm, Thu, 23 June 22

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તમામ પાર્ટીઓ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો પક્ષ મજબૂત કરવા માટે પ્રયત્નો કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ સૌથી મોટા બેંક કૌભાંડ પર પોતાના મહત્વના નિવેદનો અભ્યાસ છે. ઈશુદાન ગઢવીએ બેંક કૌભાંડ પર બોલતા કહ્યું કે, જ્યારથી ભાજપની સરકાર સત્તામાં આવી છે, ત્યારથી બેંક કૌભાંડ થવા સામાન્ય બાબત બની ગઈ છે. ઈશુદાન ગઢવીએ કહ્યું કે, ભૂતકાળમાં પણ બેંકોમાંથી ઘણા લોકોના હજારો કરોડો રૂપિયા લૂંટાયા હતા અને આ ચલણ હજુ પણ ચાલુ છે. ઈશુદાન ગઢવીએ કહ્યું કે, DHFL કંપનીના પ્રમોટરોએ 17 બેંકોમાં 34615 કરોડ રૂપિયાના કૌભાંડ કર્યા છે.

વધુમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, જ્યારથી ભાજપની સરકાર સત્તામાં આવી છે ત્યારથી એક પછી એક બેંક કૌભાંડ થઈ રહ્યા છે. તેના કારણે હવે એવું લાગી રહ્યું છે કે પ્રામાણિક જનતાના પૈસા અસુરક્ષિત બન્યા છે. 2010 થી 2018 સુધીમાં કુલ 42,871 કરોડની લોન આપવામાં આવી અને DHFLના પ્રમોટર્સે આ પૈસાનો દુર ઉપયોગ કર્યો છે. તેમને આ તમામ રૂપિયા પોતાની અંગત મિલકત ખરીદવા માટે ખર્ચ કર્યા છે. ઈશુદાન ગઢવી એ કહ્યું કે, તેમ છતાં પણ સરકારને આ બધી બાબતો વિશે કોઈપણ પ્રકારની માહિતી મળી ન હતી અને આખરે હવે આપણી સામે દેશનું સૌથી મોટું બેંક કૌભાંડ સામે આવ્યું છે.

અગાઉ પણ આવા કેટલાય બેંક કૌભાંડ થઈ ગયા છે. અગાઉ ABG શીપયાર્ડ કંપનીએ 23 હજાર કરોડનું કૌભાંડ કર્યું હતું. ઈશુદાન ગઢવીએ કહ્યું કે, મેહુલ ચોકસી, વિજય માલ્યા અને નીરવ મોદી પણ આવા મોટા બેંક કૌભાંડ કરીને દેશ છોડીને ચાલ્યા ગયા છે અને ભાજપ સરકાર આ લોકોનું કશું કરી શકી નહીં. ઈશુદાન ગઢવીનું કહેવું છે કે, ભાજપ સરકાર કહે છે કે ‘મેં ભી ચોકીદાર’ પરંતુ ભાજપ સરકાર બેંક કૌભાંડ રોકવા અને પકડવામાં કોઈ પણ પ્રયાસ કરતી નથી. આ બધા કૌભાંડના કારણે આજે દેશના પૈસા લૂંટાઇ રહયા છે.

ઈશુદાન ગઢવીએ કહ્યું કે, કૌભાંડકારીઓ બીજા દેશમાં વૈભવી જીવન જીવી રહ્યા છે અને બીજી તરફ આ કૌભાંડો બાદ જ ઘણી વખત બેંકનું કામકાજ બંધ થઈ જતું હોય છે. જેના કારણે બેંકના ગ્રાહકોને રસ્તા પર ઉતરવાની ફરજ પડે છે. ઈશુદાન ગઢવીનું કહેવું છે કે, આ બધું ભાજપ સરકારની નિષ્ફળ આર્થિક નીતિઓને કારણ થઈ રહ્યું છે.

ઈશુદાન ગઢવીએ કહ્યું કે, વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા લોકોને શરૂઆતમાં જ પકડીને સજા કરવામાં આવી હોત તો કદાચ બીજા કોઈએ આટલું મોટું કૌભાંડ આચરવાની કોશિશ ન કરી હોત, પરંતુ ભાજપ સરકારનું હંમેશા મોટા મોટા બેંક કૌભાંડોને લઈને નિરાશાજનક વલણ રહ્યું છે. ઈશુદાન ગઢવીએ કહ્યું કે, અમને શંકા છે કે કદાચ ભાજપ સરકાર બેંક કૌભાંડીઓને વિશેષ સુવિધા આપી રહી છે, તેથી જ આટલા બેંક કૌભાંડો થઈ રહ્યા છે.

આજે ભાજપ સરકારની નબળી નીતિઓને કારણે DHFL એ 17 બેંકો સાથે રૂ. 34,615 કરોડની છેતરપિંડી કરી છે અને જો આ કૌભાંડીઓને વહેલી તકે કડકમાં કડક સજા નહીં કરવામાં આવે તો કદાચ આવા વધુ કૌભાંડો થઈ શકે છે કારણ કે કેન્દ્ર સરકાર બેંક કૌભાંડ ને લઈને જરાય જાગૃત નથી. સરકારના આવા વલણને કારણે આજે ખોટા લોકો કરોડોની મહેનતની કમાણી પર નજર રાખે છે, જેઓ સરકારના નાક નીચેથી આવા કૌભાંડો કરે છે.

ઈશુદાન ગઢવીએ કહ્યું કે, કેન્દ્રની ભાજપ સરકારને અમારી અપીલ છે કે જનતાના નાણાને સુરક્ષિત રાખવા માટે મજબૂત આર્થિક નીતિઓનો અમલ કરે અને છેતરપિંડી કરનારાઓ સામે વહેલી તકે કડક પગલાં લેવામાં આવે જેથી કરીને બેંકિંગ સિસ્ટમમાં જનતાનો વિશ્વાસ જળવાઈ રહે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો