શહેરમાં નાનકડા બાળકના અંગદાનની અભૂતપૂર્વક ઘટના બની છે, પૂણા વિસ્તારમાં રહેતા અંટાળા પરિવારે ધોરણ ચારમાં અભ્યાસ કરતા પોતાના એકના એક નવ વર્ષના બ્રેઈનડેડ પુત્રના છ અંગોનું દાન કરીને માનવતાની નવી મિશાલ કાયમ કરી છે. બ્રેઈન ડેડ બાળકના લીવર, બે કિડની, ફેફસા અને બંને આંખોના દાન કરી છ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપ્યું છે.
ફેફસાં એમ. જી. એમ. હોસ્પિટલ ચેન્નઈ તેમજ લીવર અને કીડની હોસ્પિટલ અમદાવાદની ટીમ ટ્રાન્સપ્લાન્ટ માટે સ્વીકાર્યા હતા. અમરેલી જિલ્લાના ધારી ના વતની અને, પૂણાના યોગી ચોક પાસે યોગી દર્શન સોસાયટીમાં રહેતા નયનભાઈ અંટાળા રત્ન કલાકાર છે. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા નયનભાઈ ને સંતાનમાં એકમાત્ર નવ વર્ષીય પુત્ર આરવ હતો.
29 મેએ રમતા રમતા આરવ ને માથાના ભાગે ઈજા થઈ હતી, જેથી પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે કામરેજની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટર હિતેશ કલસરિયા એ પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઈજાની ગંભીરતા સમજી સીમાડા ખાતે આવેલી એઈમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રિફર કર્યા હતા. જ્યાં તબીબોની ટીમે સારવાર શરૂ કરી તાત્કાલિક બ્રેઈન ઓપરેશન કર્યું હતું.
જો કે ત્રણ દિવસની સારવાર બાદ 22 મે એ રાત્રે આરવને બ્રેઇન ડેડ જાહેર કરાયો હતો. બાળકના પરિવારમાંથી જ આવતા ડોક્ટર ચતુર ડોબરીયા, એઈમ્સના ડો. જીગ્નેશ ધામેલીયા અને ડોક્ટર હિતેશ ચિત્રોડા એ પરિવારજનોને અંગદાન અંગે સમજ આપી હતી. વ્હાલ સોયા પુત્રને ગુમાવનાર માતા પિતા કિરણબેન અને નયનભાઈ સહિત તમામ અંટાળા પરિવાર એ અંગદાન નો માનવતા સભર નિર્ણય કર્યો હતો.
પરિવારની સંમતિ બાદ ડોનેટ લાઇફના નિલેશ માંડલેવાલા ના સહયોગથી સોટો નોટોની ગાઈડ લાઈન મુજબ પ્રક્રિયા કરાઈ હતી. જેમાં બે હોસ્પિટલોની ટીમ સીમાડા એઈમ્સ મલ્ટી સ્પેશિયાલિટી ખાતે આવી હતી. શહેરના તબીબોના પ્રયાસો અને પરિવારની દરિયા દિલથી છ દર્દીના જીવન ફરી ખીલી ઉઠશે.
નાનકડો આરવ પણ જતા જતા માનવતાને મહેક ફેલાવતો ગયો છે, આરવ દુનિયામાં નથી રહ્યો પણ અંગદાન નથી કોઈના શરીરમાં જીવંત રહેતો હોય એનાથી મોટું સેવા કાર્ય બીજું શું હોઈ શકે ? એવી લાગણીથી આરવના શક્ય હોય તે તમામ અંગોનું દાન કરવા આગળ વધવાનો નિર્ણય લેવાયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment