પિતા દીકરીનું કન્યાદાન કરે તે પહેલા કરવું પડ્યું દીકરીનું અંગદાન, 19 વર્ષની દીકરીના માતા-પિતાની વ્યથા સાંભળીને આંખોમાં આંસુ આવી જશે…

Published on: 7:38 pm, Sat, 6 May 23

કહેવાય છે ને કે દીકરી વહાલનો દરિયો છે, માતા પિતા માટે દીકરી માટેનો વહાલ અને વાત્સલ્ય અદ્રિતીય હોય છે. આ બંધન અનુપમ છે, દીકરીના લગ્નમાં માતા-પિતા જ્યારે કન્યાદાન કરે છે ત્યારે તે ક્ષણ જીવનની સૌથી ભાવુક ક્ષણ હોય છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કન્યાદાનથી પણ મોટું દાન કહી શકાય તેવું દીકરીના અંગોનું દાન માતા-પિતાએ કર્યું છે.

નર્સિંગમાં અભ્યાસ કરતી 19 વર્ષની દીકરી બ્રેઈન્ડેડ થતા માતા પિતાએ અંગદાનનો નિર્ણય કરીને જરૂરિયાત મંદોને નવજીવન આપ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના એવી છે કે મૂળ સુરેન્દ્રનગરની 19 વર્ષીય કિંજલબેન મેતાલીયાને રોડ એકસીડન્ટ થતા સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

સતત 48 કલાકની સઘન સારવાર અંતે તબીબો દ્વારા તેઓને બ્રેઈન્ડેડ જાહેર કરાયા. સિવિલ હોસ્પિટલ ની અંગદાન ની ટીમ દ્વારા તેમના માતા-પિતાને અંગદાન નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તબીબો એ હાથ ધરેલી અંગોના રીટ્રાઈવલ ની પ્રક્રિયા ના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી છે.

કિંજલબેન ના માતા પિતાએ દીકરીના અંગોનું દાન કર્યા બાદ ભાવુક થઈ જણાવ્યું કે મારી દીકરી એ નર્સિંગમાં અભ્યાસ કરવાનો નક્કી કર્યું હતું. તેને એડમિશન પણ મળ્યું, આ ક્ષણ અમારા જીવનની ખૂબ જ યાદગાર ક્ષણ બની રહી હતી. નર્સ બન્યા બાદ દર્દીઓની સેવા કરવી તે જ મારી દીકરીના જીવનની ઈચ્છા હતી. અભ્યાસ દરમિયાન જ તેનું મૃત્યુ થતા તેના અંગો થકી પણ કોઈક જરૂરિયાત મંદના જીવનમાં રોનક લાવી શકાય તેવા શુભ આશય સાથે અમે અમારી દીકરીના અંગોનું દાન કરી જન કલ્યાણનો નિર્ણય કર્યો હતો.

મારી દીકરીની બે કિડની અને એક લીવરના મળેલા દાન દ્વારા ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે તેનો મને ગૌરવ છે. સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોષી એ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં 106 મુ અંગદાન અમારા સમગ્ર ટીમ માટે ખૂબ જ યાદગાર અને ભાવુક બની રહ્યું.

દીકરીનું કન્યાદાન કરતા માતા પિતા તો આપણે જોયા છે પરંતુ અકસ્માતમાં દેવલોક પામેલ દીકરી જ્યારે બ્રેઈન્ડેડ જાહેર થાય તો તેના અંગોનું દાન કરવાનું નિર્ણય માતા પિતાએ કર્યો હોય તેવો અમારા માટે પ્રથમ કિસ્સો હતો. દીકરીનું કન્યાદાન કરે તે પહેલા જ માતા પિતાએ કરવું પડ્યું હતું અંગદાન અને અંગદાન કરીને તેને જરૂરિયાત મંદોને નવું જીવન આપ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો