ભાજપના કોર્પોરેટર નો મેસેજ વાયરલ : મોદી સરકારને રામ મંદિર બનાવવા વોટ આપ્યો છે,ખાડા ભરવા નહિ

હાલ આખા ગુજરાતમાં વરસાદના કારણે રસ્તાઓ પર પડેલા ખાડાઓની સમસ્યા ખુબ મોટું રૂપ ધારણ કરી રહી છે. કાલે જ જૂનાગઢના એક ભાજપના કાર્યકરે ખાડા મામલે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને ફોન પર રજૂઆત કરી હતી. વડોદરા શહેરમાં વરસાદના કારણે માર્ગો પડેલા ખાડાઓની ફરિયાદોથી કંટાળેલા ભાજપના કાઉન્સિલર ધર્મેશ પંચાલે વોટ્સએપ ઉપર એક મતદારને નફ્ફટાઇ ભર્યા કરેલો મેસેજ વાઇરલ થયો છે.

કાઉન્સિલરે મેસેજમાં જણાવ્યું છે કે, ‘મને વરસાદથી ધોવાયેલા ખાડાના ફોટા મોકલવા નહીં, કેમકે આવા ખાડા ચોમાસામાં ગમે તે સરકાર હોય પડે જ છે. મફતના ગાંઠિયા ખાઇને મત અપનારાઓની મને સલાહની જરૂર નથી’ આ ઉપરાંત મોદીને તો રામમંદિર, 370 માટે વોટ આપ્યો હોવાની વાત પણ મેસેજમાં કરી છે. જોકે, કાઉન્સિલરે પોતાના બચાવમાં જણાવ્યું કે, આ મેસેજ મેં કર્યો નથી, પરંતુ, મને કોઇને મોકલેલ મેસેજ મેં ફોરવર્ડ કર્યો છે. નોંધનીય બાબત એ છે કે, કાઉન્સિલરે આ મેસેજ ડિલિટ કરવાને બદલે ફોરવર્ડ કરીને ભાજપના ધજાગરા ઉડાવી દીધા છે.

વોર્ડ નં-8ના ભાજપના કાઉન્સિલર અને સ્થાયી સમિતિના સભ્ય ધર્મેશ પંચાલે વોટ્સએપ પર ભાજપના વિકાસની પોલ ખોલતો મેસેજ મૂક્યો છે. જે મેસેજ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. વાઇરલ થયેલો મેસેજ આ મુજબ છે ‘જાહેર સૂચના…મને વરસાદથી ધોવાયેલા ખાડાના ફોટા મોકલવા નહીં, કેમકે આવા ખાડા ચોમાસામાં ગમે તે સરકાર હોય પડે જ છે. હું જોવુ જ છું. જેમ કે 2014 પહેલા રોડ પર ખાડાની જગ્યાએ હીરા અને મોતી નીકળતા હતા’.

આઉપરાંત બીજા મેસેજમાં કોર્પોરેટર લખે છે કે, રસ્તા ઉપર પડેલા ખાડા રોડ રસ્તા માટે મેં નરેન્દ્ર મોદીને મત આપ્યો જ નથી. મારૂ લક્ષ્ય હતુ શ્રી રામ મંદિર, કાશ્મિરમાં 370 કલમ હટાવી, સમાન નાગરીક ધારો, આતંકવાદી મુક્ત ભારત, શાંતિ સલામતી અને અખંડ ભારતનું નિર્માણે અને આ બધુ જ કરવાના પ્રયાસો નરેન્દ્ર મોદી સરકાર કરે છે. તેનો મને આનંદ સંતોષ છે. બાકી મફતના ગાંઠિયા ખાઇને મત અપનારા મફતીયાઓની સલાહની જરૂર નથી.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*