આજકાલ ઓર્ગન ડોનર સીટી તરીકે ઓળખાતા સુરતમાં વધુ એક 24 વર્ષીય બ્રેઈન્ડેડ યુવકના ફેફસા સહિત કિડની અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે. પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. ફેફસા સમયસર હવાઈ માર્ગે મુંબઈ પહોંચાડવા ડાયમંડ હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અંગોને સમયસર પહોંચાડવા માટે 103 ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે.
મૂળ રાજકોટ નો રહેવાસી અને હાલમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી સાઈનાથ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે 24 વર્ષીય જય દિનેશભાઈ ખેરડીયા રહેતા હતા. પરિવારનો એકનો એક દીકરો હતો, એક બહેન છે જે પરણીત છે. જય એન.જે ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ પ્રા.લી. કંપનીમાં ડેપ્યુટી આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. તારીખ 30 જુલાઈના રોજ તેને માથામાં દુખાવો અને ઉલટી થતા સારવાર માટે ડાયમંડ હોસ્પિટલ હેઠળ દાખલ કર્યો હતો. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.
જયના બ્રેઈન્ડેડ અંગેની જાણ થતાં ડોનેટ લાઇફની ટીમ હોસ્પિટલ પહોંચી હતી, જયના પિતા સહિત પરિવારના અન્ય સભ્યોને અંગદાન નું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. જયના પિતા દિનેશભાઈ એ જણાવ્યું કે અમે ખૂબ જ સામાન્ય પરીવારના છીએ. જીવનમાં કોઈ ચીજ વસ્તુઓનું દાન કરી શકે તેમ નથી. મારો પુત્ર બ્રેઇન્ડેડ છે, ત્યારે મારા પુત્રના અંગોના દાન થકી વધુમાં વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા સંમતિ આપીએ છીએ.
પરિવારજનો આ અંગદાનની સંમતિ બાદ બે કિડની અમદાવાદ સ્ટર્લીંગ હોસ્પિટલને ફાળવવામાં આવી હતી. ફેફસા મુંબઈની ગ્લોબલ હોસ્પિટલ ને ફાળવવામાં આવ્યા હતા. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચકુ બેંક ના ડોક્ટર પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું. સુરતની ડાયમંડ હોસ્પિટલ થી મુંબઈનું 287 કિલોમીટરનું અંતર 120 મિનિટમાં હવાઈ માર્ગે કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ અંધેરી મુંબઈના રહેવાસી 57 વર્ષીય વ્યક્તિમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યું છે.
દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલમાં બે જરૂરિયાત મંદ દર્દીઓમાં કરવામાં આવશે. ફેફસા સમયસર હવાઈ માર્ગે મુંબઈ પહોંચાડવા માટે ડાયમંડ હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીના 18 કિલોમીટરના માર્ગનો ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો.
કિડની રોડ માર્ગે સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરતની ડાયમંડ હોસ્પિટલ થી અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલ સુધીનો 272 કિલોમીટરનો ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ, સુરત ગ્રામ્ય પોલીસ, રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસના સહકારથી બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, નાનું આંતરડું, લીવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 103 ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment