હાલ દેશના ઘણા રાજ્યોમાં વરસાદે વિરામ લીધો છે. પરંતુ હવામાન વિભાગના જણાવ્યુ અનુસાર દેશના ઘણા રાજ્યોમાં આજે ભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ આગામી થોડા દિવસોમાં દિલ્હી-NCR સહિત અનેક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે દિલ્હી ઉત્તરાખંડ, યુપી સહિત અનેક રાજ્યોમાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે છે.
રાજધાની દિલ્હીમાં હવે વરસાદની શક્યતા ઓછી છે. તેમજ આજે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. દિલ્હી NCR આજે વાદળછાયું રહેશે અને બહુ ઓછા વરસાદની શક્યતા છે. હવામાન શુષ્ક અને આંશિક વાદળછાયું રહેશે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. જ્યારે બિહાર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડમાં મુશળધાર વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદથી પાણી ભરાવા અને માર્ગ અકસ્માતની શક્યતા વધી શકે છે. ખાસ કરીને બિહાર અને ઝારખંડમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળ અને તેની નજીકના બાંગ્લાદેશ પર ડીપ ડિપ્રેશન યથાવત છે. જેના કારણે રવિવારે 11 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તેમાં ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ અને મેઘાલયનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાંથી ઓડિશા, ઝારખંડ અને છત્તીસગઢ માટે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઇએ કે પશ્ચિમ હિમાલયના રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. આ સાથે જ મેદાની રાજ્યોમાં પણ મેઘ કહેર જોવા મળી રહ્યું છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી સપ્તાહે પણ પશ્ચિમ અને મધ્ય ભારતના ઘણા ભાગોમાં લોકોને વરસાદનો સામનો કરવો પડી શકે છે.
હિમાચલ પ્રદેશમાં વરસાદ બાદ કુલ 38 રસ્તાઓ બંધ થઈ ગયા અને 11 વીજ પુરવઠા યોજનાઓ ખોરવાઈ ગઈ. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) એ રવિવારે સાંજે આ માહિતી આપી હતી. સ્થાનિક હવામાન વિભાગે બુધવારે રાજ્યના છ જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ ભારે પવન અને વાવાઝોડાની યલો એલર્ટ જાહેર કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 21 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ જારી રહેશે. દરમિયાન, રાજ્યના ઘણા ભાગોમાં તૂટક તૂટક વરસાદ ચાલુ રહ્યો હતો જેમાં શનિવાર સાંજથી કસૌલીમાં સૌથી વધુ 53 મિલીમીટર (એમએમ) વરસાદ નોંધાયો હતો.