ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે શનિવારના રોજ ગાંધીનગરમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના બની હતી. ગાંધીનગર જિલ્લાના દેહગામના હરખજીના મુવાડા પાસે ડમ્પરની જોરદાર ટક્કરના કારણે દોહિત્ર અને નાનાનું મોત થયું હતું. જ્યારે આ અકસ્માતની ઘટનામાં નાની અને દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
બંનેને સારવાર માટે સૌ પ્રથમ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન નાની અને દીકરીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. એક જ પરિવારના ચાર સભ્યોની એક સાથે અર્થી ઉઠતા આખું ગામ હિબેકે ચડ્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો દેહગામ તાલુકાના લાલુજીની મુવાડી ગામે રહેતા જીતેન્દ્રસિંહ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જેમના પરિવારમાં તેમના માતા જશોદાબેન, પિતા તરખસિંહ અને બહેન હિરલ હતી. બહેન હિરલને ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામે શૈલેષકુમાર બળદેવભાઈ બારૈયા સાથે પરણાવેલ હતી. આ લગ્નજીવન થી તેનો પાંચ વર્ષનો દીકરો મયુર હતો.
છેલ્લા ચારેક મહિનાથી હિરલ પોતાના દીકરા મયુર સાથે પિયરમાં રહેતી હતી. શનિવારના રોજ તખતસિંહ પોતાની પત્ની જશોદાબેન દીકરી હિરલ અને પાંચ વર્ષના દોહિત્ર મયુર સાથે બાઈક લઈને ખરીદી કરવા માટે નીકળ્યા હતા. માર્કેટમાંથી ખરીદી કરીને તેઓ બાઈક ઉપર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં સામેથી આવતા ડમ્પરે તેમને જોરદાર ટક્કર લગાવી હતી.
અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં ગંભીર ઇજા પહોંચવાના કારણે પાંચ વર્ષના મયુરનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે તખતસિંહ, તેમની પત્ની જશોદાબેન અને દીકરી હિરલને 108 ની મદદ થી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે ઇજાગ્રસ્ત હાલતમાં ત્રણેયની સારવાર શરૂ કરી દીધી હતી. પરંતુ હાલત વધુ ગંભીર હોવાના કારણે તખતસિંહનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
જ્યારે ઈજાગ્રસ્ત થયેલી મા દીકરીને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સોલંકી પરિવારના ચાર સભ્યોના મોત થતાં ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. ગામમાં એક સાથે ચાર અર્થી ઉઠતા મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા અને અંતિમયાત્રામાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી લીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment