આ ગણેશ મંદિરમાં બનાવવામાં આવે છે ઊંધો સ્વસ્તિક, ગણપતિ ઉત્સવ પર દર્શન કરવાથી પૂર્ણ થશે દરેક મનોકામના

મધ્યપ્રદેશ તેની પ્રાકૃતિક સુંદરતા અને ઐતિહાસિક મંદિરો માટે જાણીતું છે. આવું જ એક મંદિર ઈન્દોરના ખરજનામાં આવેલું છે. આ પ્રખ્યાત મંદિર ભગવાન ગણેશને સમર્પિત છે. ખજરાના ગણેશ મંદિર તેના ચમત્કારો માટે ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ગણેશ મંદિર  સાથે એવી માન્યતા જોડાયેલી છે કે અહીં ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. વ્રત પૂર્ણ થયા પછી, ભક્તો ભગવાન ગણેશની મૂર્તિની પાછળ ઉંધો સાથિયો દોરે છે અને ભગવાન ગણેશને મોદક અને લાડુ અર્પણ કરે છે.

માન્યતાઓ અનુસાર, ભગવાન ગણેશ ખરજાના સ્થાનિક પંડિત મંગલ ભટ્ટને સ્વપ્નમાં દેખાયા અને તેમને મંદિર બનાવવાનું કહ્યું. તે સમયે હોલકર વંશની રાણી અહિલ્યા બાઈ રાજ કરતી હતી. પંડિતે રાણી અહિલ્યા બાઈને પોતાના સપના વિશે જણાવ્યું. જે પછી રાણી અહિલ્યાબાઈ હોલકરે આ સ્વપ્નને ખૂબ ગંભીરતાથી લીધું અને સ્વપ્ન મુજબ તે જગ્યાએ ખોદકામ કરાવ્યું. ખોદકામ બાદ પંડિતે કહ્યું હતું તે પ્રમાણે જ ગણેશજીની મૂર્તિ મળી આવી હતી. આ પછી અહીં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. આજે ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થવાની સાથે આ મંદિરે વિશ્વ સ્તરે ખ્યાતિ મેળવી છે.

ઈન્દોરના ખજરાના ખાતે સ્થિત ગણેશ મંદિર 1735માં હોલકર વંશની રાણી અહિલ્યા બાઈ દ્વારા બનાવવામાં આવ્યું હતું. માન્યતાઓ અનુસાર, ભક્તો આ મંદિરની ત્રણ વાર પરિક્રમા કરે છે અને મંદિરની દિવાલ પર દોરો બાંધે છે. જો કે દરેક શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે, પરંતુ બુધવારે ખજરાના ગણેશ મંદિરમાં ભક્તોની સૌથી વધુ ભીડ હોય છે. બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવા માટે ભક્તો દૂર-દૂરથી અહીં આવે છે. આ દિવસે અહીં વિશેષ આરતીનું આયોજન કરવામાં આવે છે.