જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે શુક્રવારે સાંજે થયેલી અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. જેમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના અને હાલ અમદાવાદ ખાતે રહેતા મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા નો પણ સમાવેશ થાય છે. ખૂબ જ નાની વયે પોતાનો જીવ દેશની રક્ષા અર્થે આપી દેનાર આ જવાનની શહીદીથી આખું મોજીદડ ગામ કંપી ઉઠ્યું છે.
પરિવારજનોની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. અહીં સૌથી દુ:ખદ બાબત તો એ છે કે દેશની રક્ષા કાજે શહીદ થનાર મહીપાલસિંહના પત્ની ગર્ભવતી છે. મહિના પહેલા જ તેમના પત્નીનું શ્રીમંત યોજાયું હતું, તેમના ઘરે પારણું બંધાવવાનું છે. પરંતુ આવનારા સંતાનનું મોઢું જોવે તે પહેલા જ મહિપાલસિંહ આંતકવાદીઓ સામે સામી છાતીએ લડતા લડતા શહીદ થયા છે.
શહીદ વીર મહિપાલસિંહ વાળાના આજે રાષ્ટ્રીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજે વિરાટ નગર ખાતેથી.જવાન મહિપાલસિંહ અંતિમયાત્રા નીકળશે. લીલાનગર સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે, દેશ સેવા કાજે સર્વોચ્ચ બલિદાન આપનારા સપૂતને શ્રદ્ધાંજલિ આપવા માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડવાની શક્યતા છે.
મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના મોજીદડ ગામના વતની અને હાલ અમદાવાદમાં વિરાટ નગર ની સદાશિવ સોસાયટીમાં રહેતા મહિપાલસિંહ વાળા છેલ્લા આઠ વર્ષથી સુરક્ષા દળમાં ફરજ બજાવતા હતા. તેમની પહેલી પોસ્ટિંગ જબલપુરમાં થઈ હતી જ્યાં તેમણે ચાર વર્ષ ફરજ બજાવી હતી.
જે બાદ ત્રણ વર્ષ સુધી ચંદીગઢમાં ફરજ બજાવી હતી, છેલ્લા છ મહિનાથી તેમની પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં થઈ હતી. જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારના ઉંચા વિસ્તારોમાં આંતકવાદીઓનો સામનો કરતા મહિપાલસિંહ વાળા વીરગતિ પામ્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment