ગાંઠિયા એ ગુજરાતના સૌથી લોકપ્રિય નાસ્તો છે. પરંતુ, ઘણા લોકો જાણતા નથી કે માતાજીના મંદિરમાં ગાંઠીયા ચઢાવવામાં આવે છે. જણાવી દઈએ કે, સુરતના પાર્લે પોઈન્ટ અને કાપોદ્રા વિસ્તારમાં ખોખલી માતાનું મંદિર આવેલું છે. આ જૂના મંદિર વિશે એવી માન્યતા છે કે, જે લોકોને કફ કે કફની સમસ્યા હોય અને તેઓ અહીં આવીને મંદિરમાં શ્રદ્ધા રાખે તો તેમની સમસ્યા દૂર થઈ જાય છે અને અહીં શ્રદ્ધા પૂર્ણ થયા બાદ લોકો માતાજીને પ્રસાદ તરીકે અર્પણ કરે છે. બાધા પૂર્ણ કરવા માટે દેશભરમાંથી લોકો અહીં આવે છે અને બાધા પૂર્ણ થયા બાદ અહીં માતાજીને ગાંઠિયા ચઢાવવામાં આવે છે.
સુરતમાં માતાજીના અનેક મંદિરો છે જેનું પોતાનું મહત્વ છે. આવું જ એક મંદિર ખોખલી માતાનું છે. અંબિકા નિકેતન નજીક પાર્લે પોઈન્ટ એ 100 વર્ષથી પણ વધુ જૂનું ખોખલી માતાનું મંદિર છે. અહીં લોકો ખાંસીની બાધા રાખે છે. આ મંદિર ખૂબ જૂનું મંદિર છે. લોકવાયકા મુજબ આ મંદિર પાસે પહેલા એક કૂવો હતો.
જે લોકોને કોઈ બીમારી કે ખાંસી થાય તેમને આ કુવાનું પાણી પીવડાવવામાં આવતું હતું. પાણી પીવાથી લોકોની ખાંસી દૂર થતી હતી. પહેલા અહીં માત્ર નાનકડી ડેરી જેવું મંદિર હતું. જણાવી દઈએ કે, સુરતના કાપોદ્રા વિસ્તારના સાગર સોસાયટીમાં આ માતાજી વર્ષોથી પ્રગટ થયા છે અને છેલ્લા પંદર વર્ષ કરતાં વધારે સમયથી આ મંદિર અહીં સ્થિત છે. માતાજીને પણ સાગર સોસાયટીમાંથી બાજુમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.
અહીં હાલ કૂવો નથી પંરતુ માતાજીની લોકો બાધા રાખે છે. માતાજીની તેઓની બાધા પુરી કરે છે. લોકો બાધા પુરી થતા અહીં ગાંઠિયા ચઢાવે છે. દેશ વિદેશથી ગુજરાતીઓ ખોખલી માતાજીની બાધા રાખે છે. તેઓની બાધા પુરી થતા અહીં બાધા પુરી કરવા પણ આવે છે.
લોકોની માન્યતા છે કે, આવા કપરા સમયમાં પણ માતાજી આશીર્વાદ આપી તેમની ઉધરસની સમસ્યા દૂર કરી હતી. ઉધરસ થઈ હોય તો દવા કરવાની સાથે સાથે લોકો માનતા પણ રાખે છે. પરંતુ, શ્રદ્ધા એ અંધશ્રદ્ધા ન બને તે માટે તેઓ દવા ચાલુ રાખે છે પણ લોકોનું કહેવું છે કે માનતા રાખવાના બીજા જ દિવસથી ઉધરસમાં ખુબ ફરક પડે છે. જણાવી દઈએ કે, લોકોની વર્ષો જૂની બીમારી પણ ખોખલી માતાના આશીર્વાદથી પૂર્ણ થાય છે.
રવિવારે અને મંગળવારે અહી ભક્તોની ભીડ ઉમટી પડે છે અને મંદિર પરિસરમાં જગ્યા પણ નથી હોતી. જણાવી દઈએ કે, અહીં ભક્તો દ્વારા 10 રૂપિયાના ગાંઠિયા ચડાવવાની માનતા રાખવામાં આવી હોય તો 20 રૂપિયાના ગાંઠિયા ધરાવી માનતા પુરી કરવી પડે છે અને 100 ગ્રામની રાખી હોય તો 200 ગ્રામ લાવવા પડે છે. પ્રસાદમાં ધરેલા ગાંઠીયા મંદિરના પરિસરમાં જ પૂર્ણ કરી દેવામાં આવે છે. તેને મંદિરમાંથી બહાર લઈ જવામાં આવતા નથી. આમ તો ખોખલી માતાના મંદિર ઘણી જગ્યાએ છે પરંતુ સુરતમાં અહીં માતાજી સ્વયં પ્રકટ થયા છે.