યુપીના ઝાંસી શહેરમાં પંચકુઇયા માતાનું એવું સિદ્ધ મંદિર છે, જ્યાં આસ્થા અને ભક્તિની સાથે સાથે લોકો પોતાનો ઇલાજ કરાવવા આવે છે. ઝાંસી કિલ્લા પાસે સ્થિત આ મંદિરનું નિર્માણ 16મી સદીમાં ઓરછાના મહારાજા વીર સિંહ જુદેવે કરાવ્યું હતુ.
કિલ્લાના નિર્માણ દરમિયાન જ તેમણે આ મંદિરને ભવ્ય રૂપ આપીને નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરમાં વિશેષ રૂપે તમામ મૂર્તિઓનું મુખ દક્ષિણ દિશા તરફ છે. મંદિરની અંદર જ પાંચ નાના કુવા છે. આ જ કારણે આ મંદિરનું નામ પંચકૂઇયા મંદિર રાખવામં આવ્યું હતું. મંદિરના મહારાજે અહીં બિરાજમાન દેવીઓ અને તેમની સાથે જોડાયેલી માન્યતાઓ વિશે જણાવ્યું.
ફલક બરાઇ માતાની પૂજા કરવાથી ટાઇફોઇડ અને મલેરિયા જેવી બીમારીઓથી છૂટકારો મળે છે. જો કોઇ બીમારી લાંબા સમયથી ઠીક ન થઇ રહી હોય, તો તે ફલક બરાઇ માતાની એક બંગડી અથવા ચુંદડીની બાધા રાખી લે છે. સ્વસ્થ થયા બાદ અહીં શ્રૃંગારનો સામાન ચડાવવામાં આવે છે.
ઓરી અને અછબડા થવા પર લોકો સંકટા માતાના દર્શન કરવા આવે છે. અહીં લીમડાના પાન અને લીંબુ ચડાવવાથી અછબડા ઠીક થઇ જવાની માન્યતા છે. અછબડાના ડાઘ દૂર થઇ ગયા પછી પણ લોકો અહીં દર્શન કરવા આવે છે.
ખિજલી માતાની પૂજા તે બાળકોના માતા-પિતા કરે છે, જે ખૂબ જ ચિડિયા હોય છે અથવા રડે છે. બાળકોનું ચિડિયાપણુ દૂર કરવા માટે માતા-પિતા અહીં આવીને પૂરી અને ખીરનો પ્રસાદ ચડાવે છે.