અત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ગણેશોત્સવનો પર્વ ઉજવાઈ રહ્યો છે. જો કે દર વર્ષે ગણપતિ વિસર્જન વખતે અનેક લોકો ડૂબી જવાથી મોતને ભેટતા હોય છ. આ મામલે ગુજરાત હાઈકોર્ટ પણ ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. એવામાં પાટણ જિલ્લામાં ગણપતિ વિસર્જન વખતે મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં સરસ્વતી નદીમાં ગણપતિ વિસર્જન કરવા ગયેલા એક જ પરિવારના 7 સભ્યો ડૂબી ગયા હતા. જે પૈકી 3ને બચાવી લેવાયા છે, જ્યારે એક યુવકની લાશ મળી છે. આ સિવાય અન્ય 3ની શોધખોળ ચાલુ છે.
આ સમયે કાંઠા પર ઉપસ્થિત સ્થાનિક લોકોએ સાડીની મદદથી ત્રણ લોકોને બચાવીને બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય 4 સભ્યો પાણીમાં ડૂબી ગયા હતા. જ્યારે સ્થાનિક તરવૈયા દ્વારા પાણીમાં કૂદીને બચાવવાનો પ્રયાસ કરતાં એક યુવકની લાશ હાથમાં આવી હતી.બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય, મામલતદાર, ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ નદીમાં અન્ય 3 યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જો કે અંધારુ થઈ ગયું હોવાથી મુશ્કેલી થઈ રહી છે. આ સિવાય 8 જેટલી 108 એમ્બ્યુલન્સને પણ નદીના કાંઠે તહેનાત કરી દેવામાં આવી છે.