રાજ્યમાં અંગદાન નું મહત્વ દિવસે વધી રહ્યું છે, એમાં પણ દાનવીરોની ભૂમિ તરીકે ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતિ પામ્યું છે. આ કડીમાં વધુ એક અંગદાનનો ઉમેરો થયો છે. જેમાં સુરતના સચિન ખાતે રહેતા 45 વર્ષીય બ્રેઈનડેડ યુવાન આદિત્ય કુર્મીના બે કિડની અને લીવરના દાન થકી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળશે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના સચિનની સાઈનાથ સોસાયટી કનકપુર ખાતે રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની 45 વર્ષીય આદિત્ય કુર્મી તારીખ 26 ઓક્ટોબરના રોજ રાત્રે 10:45 વાગે ઘર માટે સામાન લેવા બાઈક પર જતા હતા, ત્યારે બાઈક પરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.
તાત્કાલિક બેભાન થઈ જતા તેમને બેભાન અવસ્થામાં 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ 29 ઓક્ટોબરના સાંજે 4:15 વાગે આર.એમ.ઓ ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડીયા, ડોક્ટર જય પટેલ તથા ન્યુરોસર્જન ડોક્ટર કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
આદિત્ય કાપડની ધાગા ની કંપનીમાં કામ કરતા હતા, તેમના પત્ની ગુડ્ડી દેવી તથા બે ભાઈઓને ડોક્ટર કેતન નાયક, ડોક્ટર નિલેશ કાછડીયા, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા અને નિર્મલા કાથુડે અંગદાન નું મહત્વ સમજાવ્યું હતું. જેથી પરિવારજનોએ અંગદાનની સંમતિ આપતા અંગો સ્વીકાર્યા હતા.
બે કિડની અને લીવર એર એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આમ કુર્મી પરિવારના બ્રેઇનડેડ આદિત્યના અંગદાન થી ત્રણ વ્યક્તિઓને નવી જિંદગી મળશે. આદિત્યને એક પુત્રી છે જેનું નામ ખુશી છે,
નવી સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ અંગદાનના આવા સેવા કાર્યમાં સુરત પોલીસ, સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ અને સિક્યુરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. સુરત સિવિલમાં આજે 48 મો સફળ અંગદાન થયું હતું અને નવી સિવિલ હોસ્પિટલમાં પણ સતત આ પ્રકારના કાર્યથી લોકોમાં વધુ જાગૃતિ આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment