હાલના સમયમાં જૂનાગઢ શહેરનો એક ફોટો ખુબ વાયરલ થયો હતો. ફોટામાં કોઈ એક જગ્યાએ ખુબ જ ખાડા દેખાઈ રહ્યા હતા. લોકોએ ‘મંગળગ્રહનો ફોટો’ કહીને તેને વાયરલ કર્યો હતો. માટે જૂનાગઢના બિસ્માર રસ્તાને લઈને ભાજપના એક કાર્યકરે સી.આર.પાટીલને રાત્રે 12:30 કલાકે ફોન કરીને રજૂઆત કરી હતી.
ભાજપના કાર્યકરે કહ્યું સાહેબ હું જૂનાગઢથી નાનો કાર્યકર બોલું છું, હવે રસ્તાનું કંઈક કરો. કોંગ્રેસવાળા હવે રસ્તાને લઈને બહુ હેરાન કરે છે. પાટીલે કહ્યું વરસાદ બંધ થશે એટલે રસ્તા નવા બની જશે. હું કમિશનર સાથે વાત કરી લઉ છું. ગટર લાઇન નાખવાની બાકી હતી, 22 દિવસમાં લાઇન નખાઇ જશે અને રોડ પણ બની જશે.
લોકોમાં ખરાબ રોડ-રસ્તા મુદ્દે જાગૃતિ આવી છે. ખરાબ રોડ મુદ્દે લોકો મ્યુનિસિપલ કમિશનર સામે ફરિયાદ કરી રહ્યા છે. એક વ્યક્તિને ઈજા પહોંચતા સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ખાડાના કારણે ફરિયાદીનું વાહન સ્લીપ થયું હતું. વાહન સ્લીપ થતાં ફરિયાદીને ઈજા થઈ હતી. આથી ફરિયાદી તંત્ર સામે લાચાર રહેવાને બદલે અવાજ ઉઠાવ્યો છે.
રાજ્યમાં વરસાદ આવે કે તરત ખાડા પડી જાય છે. માર્ગ અને રસ્તાઓમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થાય છે. દરવર્ષે વરસાદમાં રસ્તાઓ ખાડામાં પરિવર્તિત થઈ જાય છે. નેતાઓ અને કોન્ટ્રાક્ટરોએ રસ્તાના નામે પેટ તો ભરી લીધા પણ હવે પેટનો દુઃખાવો પ્રજાને થઈ રહ્યો છે. કારણ કે ન તો કોન્ટ્રાક્ટરોને આ માર્ગ પર આવવું પડે છે કે ન તો નેતાઓને. નેતાઓના ઘર પાસે તો સાફ સુથરા અને સારા માર્ગો હોય છે. પણ શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં વાહન લઈને જવું મુશ્કેલ થઈ જાય છે. જૂનાગઢના કેટલાક વિસ્તારમાં એટલા ખાડા પડી ગયા છે કે વાહનો ડાન્સ કરી રહ્યા છે. તંત્રના વાંકે પ્રજાને પરેશાન થવાનો વારો આવ્યો છે.
Be the first to comment