ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે ગુજરાતના પાટણમાં બનેલી વધુ એક અકસ્માતની દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં વહેલી સવારે બે સગા ભાઈઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

સમગ્ર ઘટનાને લઈને વાત કરીએ તો, પાટણના માંખરિયા વિસ્તારમાં રહેતો 32 વર્ષીય સુનિલ ભરતભાઈ પટણી અને 24 વર્ષીય અમિત ભરતભાઈ પટણી વહેલી સવારે પોતાના ખેતરમાં વાવેલી શાકભાજી વેચવા માટે શાક માર્કેટ ગયા હતા. ત્યારબાદ બંને ભાઈઓ શાકભાજી વેચાયા બાદ છકડો રીક્ષા લઈને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન હારીજ ત્રણ રસ્તા પાસે તેમની છકડો રીક્ષા ને એક ટ્રકે ટક્કર લગાવી હતી.

અકસ્માતની ઘટના બનતા જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં સુનિલ અને અમિતને બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. આજુબાજુ ઉભેલા લોકો બચાવની કામગીરી ચાલુ કરે ત્યાં સુધીમાં તો સુનીલનું મોત થઈ ગયું હતું અને અમિતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં સારવાર દરમિયાન અમિતનું પણ મોત થયું હતું. આ દુઃખદ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.